નમો લક્ષ્મી અને નમો સરસ્વતી સ્કોલરશિપ: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ માટે પ્રોત્સાહન મળે અને તેમાં પણ કન્યાઓ ધોરણ.૧૨ સુધીનું શિક્ષણ મેળવે એ હેતુથી ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ યોજના જાહેર કરવામાં આવી છે અને એ માટે સોમવારથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાઈ છે. સ્કોલરશિપ વિદ્યાર્થીના માતાના ખાતામાં જ જમા કરવાનો આગ્રહ રખાતા સંચાલક મંડળ દ્વારા પણ તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જે માતાઓના બેંક એકાઉન્ટ થઈ તેઓએ હવે બેંકમાં જવુ પડશે. આમ આગામી દિવસોમાં નમો લક્ષ્મી-નમો સરસ્વતી સ્કોલરશિપ માટે હવે કાળઝાળ ગરમીમાં માતાઓની બેંકોમાં લાઈનો લાગશે તેવી ચિંતા શિક્ષણ નિષ્ણાતો કરી રહ્યા છે. એવી પણ ચર્ચા છે કે, જો આ પ્રકારની જડતા રાખવામાં આવશે તો ૨૭મી જૂને સ્કોલરશિપ જમા કરવાના નિર્ણયનો અમલ થવો પણ મૂશ્કેલ બની શકે.
‘નમો લક્ષ્મી’ યોજના અંતર્ગત ધોરણ.૯થી ૧૨માં અભ્યાસ કરતી અંદાજે ૧૦ લાખ જેટલી વિદ્યાર્થિનીઓને ચાર વર્ષના અભ્યાસક્રમ દરમિયાન રૂ.૫૦ હજારની સહાય અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના અંતર્ગત ધોરણ.૧૧ અને ૧૨માં અભ્યાસ કરતાં ગુજરાત બોર્ડ અને CBSE સંલગ્ન સ્કૂલોના વિદ્યાર્થીઓને ધોરણ.૧૧ માટે રૂ.૧૦ હજાર અને ધોરણ.૧૨ માટે રૂ.૧૫,૦૦૦ સહાય મળશે. બંને સ્કોલરશિપના પ્રથમ મહિનાની રૂ.૮૫ કરોડ જેટલી રકમ આગામી ૨૭મી જૂનના રોજ ચૂકવાય એ માટે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે.